ઉમાશંકર જોષીનુ અનુવાદ કાર્ય

                               



  અનુવાદક ઉમાશંકર

ગાંધીયુગનાં પ્રબોધમૂર્તિ ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યમાં વિધ વિધ રીતે પથરાયેલા છે. તેમની સર્જક્તાએ પ્રભાવી બનીને સાહિત્યક્ષેત્રમાં અદકેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉમાશંકરે જેટલું સર્જન કર્યું છે તેનાથી પણ વધું તેમના વિશે લખાયું છે. આવી સર્જકવિભુતિના સાહિત્યિકકર્મ વિશે વાત કરવી ભગીરથ કાર્ય બની રહે એ સ્વાભાવિક છે. શબ્દોની શક્તિથી તેમણે જગતમાં વ્યાપ્ત સત્યમ શિવમ અને સુંદરમની સાધના કરી છે. સત્યં પરં ધીમહિ મુદ્રાલેખ સાથે ચાર ચાર દાયકા સુધી સંસ્કૃતિ દ્વારા સાહિત્યોપાસના કરનાર ઉમાશંકર ગુજરાતની ચેતનાને, તેના સાંસ્કૃતિક મુલ્યોને અને તેના સાહિત્યિક વારસાને ઉજાગર કરવા શિવસંકલ્પ કરે છે. સંસ્કૃતિવિચારક તરીકે તેમનો શબ્દ હંમેશા મંગલમય બનીને સાહિત્યમાં આવતો રહ્યો છે. તેમણે પોતે જ કહ્યું છે કે ‘ગામથી શબ્દ લઇને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઇ ગયો સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયોમાં, સંસદમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં એટલે કે વિશાળ કાવ્યલોકમાં માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં... શબ્દનો સથવારો ખુશીનો સોદો છે કહો કે સ્વયંભુ છે. આમ શબ્દબ્રહ્મના આ યાત્રીએ કવિકર્મને કવિધર્મ બનાવ્યો છે તો નિબંધનુ લાલિત્ય પણ દિપાવ્યુ છે. વાર્તાની લાઘવભરી ચોટને માણી છે તો નવલકથના પ્રલંબપટને  પણ સ્પર્શ્યા છે.નાટકના તખ્તાને ગજાવ્યો છે તો ક્યારેક નિત્ય યાત્રી બનીને ભ્રમણ પણ કર્યું છે. નવા આયામો સિદ્ધ કરતાં સંશોધનની સાથે સાથે તટસ્થ રહીને વિવેચન પણ કર્યુ છે. સંસ્કૃતિના એલચી બનીને અનુવાદો કર્યા છે તો વિધ વિધ સર્જનને સંપાદિત પણ કર્યુ છે. ઉપરાંત નોંધપોથી વ્યક્તિચિત્રો અધ્યયન ગ્રંથો વગેરે દ્વારા સહિત્યના લગભગ તમામ ક્ષેત્રોમાં તેમનો વ્યાપ રહ્યો છે.
        આપણે અહી વાત કરવી છે અનુવાદક ઉમાશંકરની. આજના વૈશ્વિકરણના જમાનામાં સંસ્કૃતિ અને સમાજ જે અવસ્થાએ ધબકી રહ્યો છે તેમાં સાહિત્યિક દ્રષ્ટિએ અનુવાદનો ફાળો ઘણો મહત્વનો છે. એક-બીજી સંસ્કૃતિ,એક-બીજી સભ્યતા અનુવાદિત સાહિત્યના માધ્યમથી પરસ્પર વધુ નજીક આવે છે-જે સુવિદિત છે. પણ સાથે સાથે એ પણ એટલીજ હકિકત છે કે કોઇપણ કૃતિને એક ભાષામાંથી બીજી ભાષામાં લઇ જવી એ ખુબજ કઠિનકાર્ય છે,બલ્કે સર્જનકાર્ય કરતાં પણ વધુ કપરું છે. ગુલે પોલાંડના નિવેદનમાં તેઓ અનુવાદ વિશે પોતાનો ખયાલ વ્યક્ત કરતાં કહે છે કે - અનુવાદ કરવો એ મૌલિક લખાણ કરતાં અઘરું કામ છે.મૂળને વફાદાર રહેવું; મૂળ કરતાં આપણો અનુવાદ સારો થયો એવી પ્રતીતિ થાય તો તે હકીકતને ભૂષણ નહી પણ દૂષણરૂપ ગણવી; ભાવના અને વાતાવરણ જેવી સૂક્ષ્મ બાબતમાં તો ખરું જ, પણ વાક્યવળાંક શબ્દપ્રયોગ વગેરે વિશે મૂળને અનુસરવા પૂરતો પ્રયત્ન કરવો;આવા મારા અનુવાદ માટેના ખ્યાલ... અહીં મૂળ એટલે મૂળનો અનુવાદ જ.
અનુવાદ પ્રત્યે કેળવાયેલી ઉમાશંકરની આ અવધારણા જ તેમના અનુવાદકાર્યનું સત્વ છે. અલબત્ત તેમના સર્જનકર્મની તુલનાએ અનુવાદકાર્ય ભલે અલ્પ છે. પણ જેટલુ છે તે નિષ્ઠાસભર અને ગુણવત્તાયુક્ત છે. ઉમાશંકર ઉત્તમ કહી શકાય એવા અનુવાદો આપી શક્યા છે તે તેમની સર્જક પ્રતિભાને કારણે. તેમની સર્જકચેતના ક્યાંક્યાં તેમને લઇ જાય  છે. કવિવર ટાગોર પાસે, મહાકવિ કાલિદાસ અને મહાકવિ ભવભુતિ પાસે તો વળી પશ્ચિમના સાહિત્ય સુધી તે વિસ્તરે છે. પૂર્વ અને પશ્ચિમ એમ વૈશ્વિક સ્તરે તેમની ચેતના વિહરી છે. તેમણે જે સુખ્યાત કૃતિઓના અનુવાદો કર્યા છે તેમાં ‘ગુલે પોલાંડ’, ‘ઉત્તરરામચરિત’, ‘શાકુંતલ’, ‘એકોત્તરશતિ’,‘ગીતપંચશતી’ તેમજ ઓડેનના કાવ્યોનો સમાવેશ થાય છે.સાથે અહી એ વાતની નોંધ પણ લેવી જોઇએ કે તેમણે ગ્રીક નાટ્યકાર યુરિપિડિસના ‘ઇફિજિનિયા ઇન ટોરિસ’નો પણ પ્રાંરંભિક ૧૫૦૦ જેટલી પંક્તિઓનો વનવેલી છંદમાં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.ઉપરાંત ‘ઇશાવાશ્ય ઉપનિષદ’માં મૂળ શ્લોકો સાથે વૈદિક છંદોલય જળવાઇ રહે તે રીતે સમશ્લોકી અનુવાદ તથા ‘સર્મન્સ ઓન માઉન્ટ’નો ‘ઇસુનું ગિરિપ્રવચન’ શીર્ષકથી અનુષ્ટુપ છંદમાં અનુવાદ આપ્યા છે.
        ઉમાશંકર પાસેથી સૌ પ્રથમ અનુવાદ ‘ગુલે પોલાંડ’ ઇ.સ.૧૯૩૯માં મળી આવે છે. જે મૂળે  પોલીશ લેખક મિત્સકિયેવિચની કૃતિ ‘ધી ક્રિમિયન સોનેટસ’નો અનુવાદ છે. આ કૃતિમાં રહેલા સોનેટોના અંગ્રેજી અનુવાદ પરથી ઉમાશંકરે  ગુજરાતીમાં અનુવાદ કર્યા છે.અહી થોડા દ્રષ્ટાંતો આપણે જોઇએ...
મૂળેતો સર્જકચેતનાને વરેલા અનુવાદક ઉમાશંકરની ધ્યાનાકર્ષ બાબત એ છે કે તેઓ મૂળમાં રહેલા વર્ણનોને જ્યારે ગુજરાતીમાં ઉતારે છે ત્યારે મૂળના ભાવને કે તેના આરોહ - અવરોહને યથાતથ જાળવી રાખી શકે છે.જેમકે સાગરમાં રહેલી ચોતરફ શાંતિના શ્વસનને પ્રગટ કરતી વેળાએ...
                                ઊંડું શ્વસે દધિ – મૃદુસ્તનથી યથા કો
                                પ્રેમોર્મિમૂર્છિત શ્વસે સ્વપ્ને નવોઢા
                                 ને જાગી સોંપતી બધું નિજ સ્વપ્નખોળે.
        તો વળી શાંતિનો ભાવ વ્યક્ત કરતાં બીજા એક સોનેટમાં - ઘાસનાં વિશાળ મેદાનમાંથી પસાર થતાં ગાડાને, સાગરમાં ચાલતાં વહાણ સાથે તેમજ સાગરમાં આવતાં બેટોની સરખામણી મેદાનમાં વચ્ચે આવતા પુષ્પો  સાથે થઇ છે. અહીં સર્જક ઉમાશંકર અને અનુવાદક ઉમાશંકરની સથોસાથ ભાવક ઉમાશંકરની છબિ પ્રગટ થાય છે. સોનેટમાં આવતી પંક્તિ And bees and blossoms speaking each to each’ માં ઉમાશંકરે blossoms માટે જે શબ્દ પકડ્યો છે ‘રસગોઠડી’ તે કાવ્યમાં રહેલા ભાવને  લયાત્મક બનાવે છે. તેવી જ રીતે ‘serpent slipping’ ને ‘સરપ સરતો’ કહીને મૂળની કાવ્યાત્મકતા જાળવી રાખે છે. સપાટ કે એકધારી ગતિએ ચાલતા કાવ્યમાં અનુવાદક દ્વારા આવી ક્ષણો જો સચવાય જાય તો મૂળ સર્જકની વાત વફાદારીપૂર્વક તેના ભાવક સુધી પહોચી શકે છે.આ વાતની પ્રતીતિ ‘ગુલે પોલાંડ’ના આરંભે મુકાયેલ ગ્યુઇથેની પંક્તિના તેમણે કરેલા અનુવાદમાં જોઇ શકાય છે.
‘સમજવા કવિની કવિતાકલા
કવિની ભુમિ વિશે જવું રહ્યું.
અલબત્ત ઉમાશંકરની આ સમજ કવિતાકલા પરત્વેની છે.જોકે એ પણ એટલુંજ સાચુ છે કે અનુવાદક જેટલો કવિપ્રદેશથી અનુભૂત એટલો અનુવાદ વધુ ઉત્તમ. ઉમાશંકરના અનુવાદ ‘ગુલે પોલાન્ડ’ વિશે શ્રી નગીનદાસ પારેખ ખુબ ઝીણવટ પૂર્વકના દીર્ઘ અભ્યાસલેખમાં પોતાનો  અભિપ્રાય આપતાં નોંધે છે કે- ‘તમે મૂળને વફાદાર રહેવાની – મૂળની શૈલી, ભાવ, વાતાવરણ એ સર્વમાં મૂળનો અનુવાદ કરવાની – બાબતમાં જે ચીવટ રાખી છે, એ જોઇને હું ખુશ થઇ ગયો.તમે એ બાબતમાં કેટલી ઝીણવટ કરી છે એનો ખ્યાલ તો અંગ્રેજી સાથે ગુજરાતી સરખાવી જોનારને જ આવી શકે. મને પોતાને પણ ઘણીવાર થયેલું કે અહીં તો છૂટ લીધી હશે, નહીં તો આટલું સ્વાભાવિક સુંદર થાય શી રીતે, પણ ત્યાં પણ સરખાવી જોતાં મૂળનું સુરેખ અનુસરણ જોવામાં આવ્યું.’
  ઉમાશંકર પાસેથી બીજા સંસ્કૃત અનુવાદો મહાકવિ ભવભુતિ કૃત ‘ઉત્તરરામચરિત’ ઇ.સ. ૧૯૫૦માં અને મહાકવિ કાલિદાસના ‘શાકુંતલ’નો અનુવાદ ઇ.સ.૧૯૫૫માં મળે છે. ઉમાશંકરે અનુવાદકાર્યની જે હામ ભીડી છે તે વિશ્વખ્યાત કૃતિઓ સાથે છે. અનુવાદકાર્ય માટે કહેવાય છે કે તે કોલસાની દલાલીમાં કાળા હાથ કરવા જેવુ કૃત્ય છે. અલબત આ બાબતમાં વજુદ તો રહેલું જ છે, પણ ભાષાની સંસ્કૃતિના ઉત્થાન માટે આ દુષ્કર કાર્ય કર્યા વિના પણ થોડુ ચાલવાનું. પ્રેવરે કહ્યું છે તેમ અનુવાદો માત્ર વ્યક્તિગત લેખકોના વિકાસમાં જ નહીં પણ સાહિત્યિક આંદોલનો અને સ્વરૂપોના વિકાસમાં પણ મહત્વનો ભાગ ભજવે છે.એટલે જ આપણા અનુવાદકો મુશ્કેલીઓને સમજવા છતાં મૂળના સત્વને સચવાય તેટલા સાચવતા જઇને આ કાર્ય કરતાં રહ્યાં છે. સંસ્કૃત જેવી આલંકારીક અને ધ્વનિયુક્ત ભાષાના ભાવને સાચવવો કેટલું કપરું છે તે જાણવાનું તો  ઉમાશંકરનુંજ ગજુ. અહી તેમની ઉત્તરરામચરિતની પ્રસ્તાવના નોંધપાત્ર છે. ‘ઉત્તરરામચરિતનો અનુવાદ બલકે અનુવાદનું ડોળિયું તૈયાર કરવામાં પંદર દિવસથી વધારે સમય ન લાગ્યો. પણ પછીથી મેં જોયું કે એ પંદર દિવસમાં મેં મારે માટે પૂરતી મુશ્કેલી ઉભી કરી છે. તે પછીનાં ત્રણ વરસમાં મેં એ અનુવાદ સુધાર્યો-મઠાર્યો, ફરી લખ્યો, ફરી મઠાર્યો વળી રંદો ફેરવ્યો,- કાંઇ નહિ તો સાત કરતાં વધારે વખત એ અનુવાદમાં વળીવળીને હું ગુંથાયો.’ આમ અનુવાદ કરવા જતાં અનુવાદક ભાષા, ભાવ, પાત્રસૃષ્ટિ, કવિનું કથયિતવ્ય, શાબ્દિક અર્થ, સાંદર્ભિક અર્થ, સર્વતોમુખી નાટ્યગત અર્થ - એમ અનેક બાબતોનું ચર્વણ કર્યા બાદ કવિને અભિપ્રેત અર્થ સુધી મહદંશે પહોંચી શકે.ઉમાશંકરના આ મંથને, અનુવાદ વિશેના ખયાલે તેમના અનુવાદોને ચરિતાર્થ કર્યા છે.
 ઉમાશંકરે કરેલ ‘ઉત્તરરામચરિતમ’ના સમશ્લોકી અનુવાદમાં કેટલીક બાબતો ધ્યાનાર્હ છે-
-સમશ્લોકી અનુવાદ કરતી વખતે ગુજરાતીમાં પણ જે-તે છંન્દનું માળખું યથાતથ જળવાઇ રહે તેવો પ્રયત્ન થયો છે.માત્ર ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રાના અનુવાદ પ્રસંગે મિશ્રોપજાતિ પણ થઇ શકે એટલી છુટ લીધી છે.
-જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં અનુવાદ સાથે ભાવાર્થબોધીની ટીકા જે પાદટીપમાં મૂળ તથા અનુવાદની સાથે જ નીચેના ભાગમાં દર્શાવેલ છે.સાથે સાથે કઠિન કે ચર્ચાસ્પદ શબ્દોની વિશદ રીતે છણાવટ કરેલ છે.
- અનુવાદ કરતી વખતે વાચકને સંસ્કૃતાત્મક ગુજરાતી નહિ પણ સરળ ગુજરાતી મળે તે માટે તત્સમ કરતાં તદભવ અને દેશ્ય શબ્દોનો પણ ખયાલ રાખ્યો છે.
        ઉપરોક્ત બાબતોને ઉદાહરણ દ્વારા જોઇએ-
અંક – ૧ની ઉક્તિમાં આવતા ÝÝ¢‹Îé: Ðy²¢ નો કોશગત અર્થ ‘નણંદનો પતિ’ એમ થાય છે પણ અનુવાદકે તેનુ ગુજરાતીકરણ નણદોઇ કર્યું છે. તેવી જ રીતે ÜUÆ¢ïÚx¢|¢¢ü શબ્દનો કોશગત અર્થ ‘કઠોરગર્ભની અવસ્થાવાળી’ થાય છે જેનુ અનુવાદકે ‘પૂરા દહાડા જાય છે’ કહીને પોતીકું ગુજરાતી કર્યું છે.આજ રીતે અંક 3 માં આવતો શબ્દ ΢çÿ¢‡²}¢ì નો કોશગત અર્થ ‘વ્યવહારકુશળતા’ થવા છતાં ‘કાળજીભરી સંભાળ’ એમ કહેવાયું છે. આખી કૃતીમાં આવા અનેક સ્થળ મળી આવે છે કે જ્યાં સરળ ગુજરાતીકરણ થયેલું હોય.
        બીજી જે નોંધનીય બાબત છે ભાવાર્થબોધિની ટીકા આપીને જે શબ્દો વિશે શાસ્ત્રીય સંદર્ભ કે કોશગત સંદર્ભ અપેક્ષીત હોય ત્યાં ત્યાં તેનો ઉલ્લેખ કર્યો છે. જેમકે અંક – ૨ માં આત્રેયીની ઉક્તિમાં ™¢ñHÜU}¢ü તેમજ ç¼d: ç±l¢: ઉપરનો શાસ્ત્રીય સંદર્ભ દર્શાવવાનું ચુકતા નથી. ‘ચૌલકર્મ’ એટલે પહેલે કે ત્રીજે વરસે વાળ ઉતરાવવાનો વિધિ. રઘુકુલના કુમારોને પાંચ લટો રાખી બાકીના વાળ ઉતારતા તે આ વાતને અંક ૫ ના શ્લોક ૨ સાથે જોવાથી સમજાય છે.
તે જ પ્રમાણે }¢¢ çݯ¢Î Ðíç¼D¢æ y±}¢x¢}¢: ...... ÜU¢}¢}¢¢ïçã¼}¢ì ( 2/5) શ્લોકની સમજુતી સમયે વિવિધ વિદ્વાનોના મંતવ્યો પણ ટાંકે છે જેથી ભાવક એકથી વધારે અર્થછટાઓ માણી શકે.સુક્તિ-સુભાષિતના અનુવાદ પ્રસંગે તેના જેવા અન્ય સંદર્ભો મહાકાવ્ય કે નાટકના ટાંકે છે. જેમકે અંક ૪ માં ૧૧ શ્લોકમાં આવતા પ્રસંગે કુમારસંભવનો સંદર્ભ આપે છે તો ૧૨માં શ્લોકના સંદર્ભે મેઘદુતના પ્રસંગની નોંધ કરે છે.
સમશ્લોકી અનુવાદને સરળ અને જેવો છે તેવા જ રૂપમાં મુકવાના પ્રયત્ન છતાં ઉમાશંકર કહે છે તેમ- ‘સમશ્લોકી અનુવાદની મુશ્કેલી ઉઘાડી છે. ચાર પંક્તિમાં,સમાસની સગવડવાળી, સંસ્કૃત ભાષા જે સંભરી શકે તે આપણી ભાષા માટે,અમુક હદ સુધી સમાસો યોજાતા હોવા છતાં,શક્ય નથી.બધા જ સંસ્કૃત શબ્દો ગુજરાતીમાં તત્સમ તરીકે અપનાવવાનું પણ સુકર નથી. મૂળ વૃત અને કથનને વફાદાર રહેવા મથતા અનુવાદકોને ક્યારેક કેટલુંક જતું કરવું પડતું હોય છે.’  
        ભારતિય સંસ્કૃતિના વ્યાખ્યાતા અને વિશ્વકવિ  કવિવર રવીન્દ્રનાથ ટાગોર માટે યુગદ્રષ્ટા ઉમાશંકર અભિરૂચીમાં કહે છે .‘ગંગાને કાંઠે બેઠેલો માણસ ગંગાનો પ્રવાહ જુએ અને મનમાં સમજે કે ક્યાંક હિમાલય હોવો જ જોઇએ,રવીન્દ્રનાથ એમ મારે મન હતાં.’ ઉમાશંકરે ટાગોરમાં અખિલાઇના દર્શન કર્યાં હતાં૱ એટલું જ નહી પણ કવિવર ટાગોર તેમજ સંસ્કૃતજ્ઞ મહાકવિ વ્યાસ અને કાલિદાસને સેવ્યા પણ હતા.રવિન્દ્રનાથ જે રીતે પોતાની રચનાઓમાં આત્મીય મૂલ્યોની ભારતની ચિરંતન ખોજને પ્રકટ કરે છે તે બાબત ઉમાશંકરમાં પ્રભાવક બનીને ઉપસી આવે છે.ટાગોરે પોતાના કાવ્યોમાં હિંદના આત્માનું માત્ર આકલન જ નથી કર્યુ પણ એક આખીય સંસ્કૃતિનું  જગતચોકમાં પ્રાકટ્ય કરાવ્યું છે. તેમણે પોતાની અંદર હિંદના સારભુત સમગ્ર વારસાને આત્મસાત કર્યો છે અને એને વાચા આપી છે.જો રવિન્દ્રનાથ વિશ્વમાનવના ઉદગાતા છે તો ઉમાશંકર વિશ્વમાનવી છે.
કવિવર ટાગોરના ઘણા કાવ્યોના ગુજરાતીમાં ગદ્યાનુવાદ ઉમાશંકરે ‘એકોત્તરશતી’ અને ‘ગીતપંચશતી’ સંગ્રહમાં કર્યા છે.આ અનુવાદોનો  અભ્યાસ કરતા જણાય આવે કે એક નિવડેલા સર્જક દ્વારા મૂળ કાવ્યના લય, આરોહ-અવરોહ સચવાવા પાછળ અનુવાદકનો ચેતોવ્યાપાર કામ કરે છે.‘અનુવાદ એટલે મૂળની પાછળ પાછળ – મૂળને અનુસરીને બોલવું તે. ‘અનુવાદ’ શબ્દ ભાષાંતર કેવી રીતે થયું તેની આંતરપ્રક્રિયા તરફ લક્ષ ખેંચે છે.કૃતિની ભાષા પલટાય - ‘ભાષાંતર’ થાય એટલું પૂરતું નથી, મૂળ કૃતિનો જે અવાજ છે તે ઝિલાવો જોઇએ’
ઉપર્યુકત કેળવાયેલી સમજથી તેઓ પદ્યાનુવાદ સાથે પાટલો માંડે છે. આરંભનું મૂળનું એક કાવ્ય – ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’માં...
                                        આજિ એ પ્રભાતે રવિર કર
                                        કૅમને પશિલ પ્રાણેર પર
કૅમને પશિલ ગુહાર આધારે પ્રભાતપાખિર ગાન.
પૌરુષના ઉછાળની પ્રચંડ શક્તિનું વર્ણંન કરતા આ કાવ્યમાં જાગેલી ચેતનાનાં ઉલ્લાસ અને ગતિ ઉભય રીતે લયના હિલ્લોલમાં પ્રગટ થાય છે. પ્રથમપંક્તિમાં  આવતા ‘કૅમને’ શબ્દનો અનુવાદ તેઓ ‘કઇ રીતે’ એમ કરે છે જ્યારે બીજીવાર આજ શબ્દનો અનુવાદ તેઓ ‘કઇ પેરે’ એમ કરે છે. આજ કાવ્યમાં આગળ જતાં આવતા રવાનુકારી શબ્દ થર થર તેમજ રાશિ રાશિ શબ્દને તોડ્યા વગર યથાતથ પ્રયોજે છે. જ્યારે રવાનુકારી શબ્દ ‘ફુલિયા ફુલિયા’ શબ્દને આવર્તન ન આપતાં કેવળ ‘ફીણવાળા’ કહીને અનુવાદક આગળ વધી જાય છે.વળી કાવ્યનો ભાવ સાચવવા તેઓ પ્રશ્નાર્થચિહન, ઉદગારચિહન વગેરેને પણ ખપમાં લે છે.આમ અનુવાદકે જ્યાં જરૂર પડી છે ત્યાં હસ્તક્ષેપ કર્યો છે. પરંતુ ક્યાંયે નીરર્થક લયને તોડફોડ કરવા પ્રયત્ન કર્યો નથી. સંયમ અને વફાદારીનુ અહી સાદૃશ્ય દર્શન છે.
   દુઇ નારી (બે નારી)માં સ્વર્ગની બે લાવણ્યમય નારીને વિશ્વની જનનીરૂપે ઓળખાવતા કહે છે....
                                        કોન ક્ષણે...
                                                        સ્વર્ગેર ઇશ્વરી.
કાવ્યનો ગદ્યાનુવાદ અનુવાદક આમ કરે છે.- કોઇક ક્ષણે સૃજનના સમુદ્રમંથનથી બે નારી અતલના શય્યાતલને છોડીને નીકળી હતી. એક જણ ઉર્વશી સુન્દરી વિશ્વના કામના-રાજ્યમાં રાણી સ્વર્ગની અપ્સરી બીજી લક્ષ્મી તે કલ્યાણી સ્વર્ગની ઇશ્વરી વિશ્વની જનની રૂપે તેને ઓળખું છું.‘ અહી કાવ્યનો લય મૂળના અર્થ સાથે ગદ્યાનુવાદમાં સાંગોપાંગ ઉતરી આવે છે. મૂળના ભાવને અને તેના અર્થાલયને જાળવવા ઉમાશંકર ક્યારેક તો આખે આખા પદક્રમની પણ ઉથલપાથલ કરે છે.
અલબત્ત આવા અનિવાર્ય જોખમો કાવ્યમાં રહેલી અવ્યક્ત વ્યંજનાને તેની સુંદરતાને તેના આરોહ-અવરોહને હાની પહોંચાડે છે તે બાબતે ઉમાશંકર જરા પણ અણજાણ નથી. ‘ગદ્ય કરતાં પદ્ય અંગે અનુ-વાદ આપવાની મુશ્કેલી વધારે છે. ગદ્યકૃતિનું, કદાચ, ભાષાન્તર પણ સંતોષકારક નીવડે. પણ કૃતિ પદ્યમાં હોય ત્યારે મૂળ ભાષાના શબ્દને બદલે આપણી ભાષાનો શબ્દ મૂકી દીધો એટલાથી કામ ભાગ્યે જ સરે. કવિતામાં ‘ઉત્તમ શબ્દો ઉત્તમ ક્રમમાં’ હોય છે. એ શબ્દપસંદગી અને એ ક્રમ-પસંદગીથી ઉત્પન્ન થયેલો છંદોલય એ કાવ્યનું જીવાતુભુત તત્વ હોય છે એમ કહીએ તો ચાલે....ખરે, જ મૂળ ભાષામાં કલાકારની પ્રતિભાની જે મુદ્રા હોય છે તે બીજી ભાષામાં ઉપસાવવી શક્ય જ નથી. શક્ય એટલું જ છે કે મૂળ કલાકૃતિની વધુમાં વધુ નજીક એવી કૃતિ આપવી.’ પદ્યાનુવાદ વખતે નડતી સમસ્યાઓથી ઉમાશંકર અવગત છે. ‘ગીતપંચશતી’ના આ ઉદાહરણને સાથે રાખવાથી આ બાબત વધુ સ્પષ્ટ થશે.
મૂળની પંક્તિ છે
 આછે દુખ, આછે મૃત્યુ, વિરહદહન લાગે,
તબુઓ શાંતિ, તબુ આનન્દ, તબુ અનન્ત જાગે.
જેનો અનુવાદ આ પ્રમાણે છે.-
-દુખ છે, મૃત્યુ છે, વિરહનો દાહ લાગે છે. તોય તે શાંતિ, આનંદ અનંત જાગ્યા કરે છે.
અહી પહેલી પંક્તિના પ્રત્યાઘાત રૂપે બીજી પંક્તિ પ્રયોજાઇ છે. જેનો અનુવાદ ઉમાશંકર મૂળને મરોડ્યા વગર કદાચ આમ કરી શક્યા હોત - તોય શાંતિ તોય આનન્દ તોય અનંત જાગ્યા કરે છે.પણ જોઇ શકાય છે કે ઉમાશંકર જેવા મુઠી ઉચેરા અનુવાદક પણ ગદ્યને સાચવવાના મોહમાં કશુંક ચુકી ગયા હોઇ એમ લાગે છે.પદ્યની રમણિયતાને ગદ્યમાં લાવવી ખુબ મુશ્કેલ છે. એટલા માટે જ  અનુવાદકે લાગણીમાં ખેચાયા વગર સભાનપણે મૂળ કવિના ચિતપ્રદેશમાં રહેલી ભાવાભિવ્યક્તિને સ્પર્શવું પડે છે. જોકે કવિધર્મા ઉમાશંકર પોતાની અદમ્ય સર્જકચેતનાને કારણે અનુવાદને શક્ય એટલો લયાત્મક બનાવવા મથામણ કરે એ સમજાય તેમ છે. ‘ઉર્વશી’ કાવ્યનું બીજુ એક ઉદાહરણ તપાસીએ-
પંક્તિ છે...
                                નહ માતા, નહ કન્યા, નહ વધૂ, સુન્દરી રૂપસી,
                                        હે નન્દનવાસિની ઉર્વશી.
અનુવાદ છે- ‘નથી તું માતા, નથી કન્યા, નથી વધૂ, તું છે રૂપમયી સુંદરી, હે નન્દનવાસિની ઉર્વશી.
અહીં ‘નહ માતા’નું ‘નથી તું માતા’ કરીને ગદ્યનો લય સાચવવા પ્રયત્ન થયો છે જેનું સંધાન ‘સુન્દરી રૂપસી’ના અનુવાદ ‘તું છે રૂપમયી સુંદરી’ સાથે જોડાય છે. સર્વનામ ‘તું’ ઉમેરાવાથી ગદ્યની શોભા ભાવને નુકસાન કર્યા વિના પ્રગટ થઇ છે. પરંતુ ખટકો એ રહે કે ‘તું’ વિનાની પેલી અવ્યક્ત વ્યંજનાનુ શું? ગદ્યાનુવાદ વખતે મૂળનો ભાવ સાચવવા જતા વ્યંજના નષ્ટ થાય છે તો લય કે આરોહ-અવરોહ સાચવવા જતાં અવ્યક્ત છે તે મુખર બનીને વ્યક્ત થઇ જાય છે. અલબત્ત આવી અનિવાર્ય મુશ્કેલીઓ વચ્ચે કોઇપણ અનુવાદકનુ કાર્ય કઠિન બની જાય છે.                         ઇંગ્લેંડમાં જન્મેલા ડબલ્યુ.એચ.ઓડન. માટે કહેવાય છે કે તેઓ એકએક શબ્દ જ નહીં એ શબ્દનું પંક્તિમાં-આખી કૃતિમાં સ્થાન બની રહે એને માટે પણ એ પૂરા સજાગ હોય છે. આધુનિક અવબોધને અનુરૂપ ભાષા અને કલ્પનાવલિ ઓડેનને સહજ છે. આધુનિક કવિ તરીકે ખ્યાત પ્રયોગશીલ ઓડેનની કવિતામાં સ્વરૂપ અને વસ્તુનું વિપુલતા જોવા મળે છે. પ્રથમ વિશ્વયુદ્ધની કરુણતા,કદરુપતા તેમજ યુદ્ધને કારણે સર્જાયેલી અવ્યવસ્થા અને અસ્તવ્યસ્તતાથી ત્રસ્ત ઓડેન નુતન માનવ અને નુતન સમાજ, સૌંદર્ય અને સુખને પોતાના કાવ્ય દ્વારા રજૂ કરે છે.સંપાદનના આરંભમાં ઓડેન વિશેના દીર્ઘ લેખમાં નિરંજન ભગત કહે છે.- ‘ આ કાવ્યોમાં ઓડનનું પોતાપણું પ્રતીત થાય છે. એમાં એક જ શૈલી નથી,અનેક શૈલીઓ છે. અને એ સૌ ઓડેનના વ્યક્તિત્વની મુદ્રાથી અંકિત એવી મૌલિક શૈલીઓ છે.એમાં સાગા-સાહિત્ય અને એંગલો-સેક્સન કવિતાની અસર છે; સ્કેલ્ટન, હાર્ડી, એમિલી ડિકિંસનની અસરમાં સ્વરભારયુક્ત છંદો અને ક્યારેક શબ્દલોપસહિત તો ક્યારેક સંબંધરહિત લાઘવયુક્ત ભાષા છે; લઘુ પંક્તિઓ અને વિચિત્ર પ્રાસસંકલના છે; હાર્ડી, એડવર્ડ ટોમસ અને રોબર્ટ ફ્રોસ્ટની અસરમાં સંસ્કારી સંવાદની બોલચાલની ભાષામાં મધ્યમ શૈલી છે; હોપકિંસની અસરમાં દીર્ઘ પંક્તિઓમાં સંકુલ પદાવલીમાં પ્રતિકૃતિ અને મોક-હિરોઇનની અલંકૃત શૈલી છે; રિલ્કેની અસરમાં સર્વનામોના પ્રતિકાત્મક ઉપયોગની શૈલી છે. આ કાવ્યોમાં વૈજ્ઞાનિક પ્રતિકો,ચિકિત્સક વલણો,વૈવિધ્યપૂર્ણ છંદો અને શ્લોકો,વૈચિત્રપૂર્ણ આયોજન, સ્વપ્ન રહસ્ય, દુર્બોધતા આદિ લાક્ષણિકતાઓ છે.’ સંપાદીત ઓડેનના કાવ્યોમાં કુલ છપ્પન કાવ્યો છે જેમાંથી ૧૨ કાવ્યોનો અનુવાદ ઉમાશંકર જોશીએ કર્યો છે. અંગ્રેજ કવિને,અંગ્રેજી ભાષાને,તેના પોતને અનુવાદ તરીકે ગુજરાતીમાં પ્રકટ કરવા માટે ઉમાશંકરે ગુજરાતી ભાષાની અનેકવિધ લાક્ષણિક્તાઓને કામે લગાડી છે.
પ્રથમ કાવ્ય ‘અરજી’માં ઇશ્વરને સંબોધન છે. દેહ-મનના સંબંધી આ કાવ્યમાં આધુનિકયુગ યુગમાં જે દુર્ગુણોનું અસ્તિત્વ છે અને જે સદગુણોની અપેક્ષા છે તેની વાત છે. અહી ઉમાશંકર કાવ્યના ભાવને તેના સૌદર્યને  ગુજરાતી તળપદા શબ્દો-પદાવલીઓ દ્વારા રજુ કરે છે. જેમકે કાવ્યમાં આવતી પદાવલીઓ ‘ધાવણ છોડ્યાનો થાકોડો’માં ‘થાક’ને બદલે ‘થાકોડો’ તેમજ ‘ભીતર ફાલેલી કૌમાર્યની વૃતિઓ’ માં ‘ફાલેલી’ શબ્દથી પ્રકટ થતી ભીતરની વૃતિઓ સરળ શૈલીએ રજુ થાય છે. ભાવક ગુજરાતીમાં અંગ્રેજી આસ્વાદી શકે એવી રસાળશૈલી ઠેક ઠેકાણે જોઇ શકાય છે.  કાવ્યોમાં આવતા ‘હળખેડુ’, ‘ધુબાકો’, ‘ખાંખાખોળા’, ‘ગરવા દઇશુ’ વગેરે જેવા અનેક શબ્દો મળી આવે છે જે મૂળની કૃતિને પોતાનામાં ઉતારવામાં સહાયક નીવડે છે.
એક અનુવાદક તરીકે બીજી એક ધ્યાનાર્હ બાબત એ છે કે પદ્યની પંક્તિઓ ગદ્યમાં ઉતરે છે છતાં પણ એ ગદ્યાળુ પક્તિઓમાં કાવ્યાત્મકતા ટકી રહે છે. તેમજ ગદ્યાનુવાદ વખતે જે તે ભાષાની ગરીમા જળવાવી જોઇએ એ પણ સચવાતી જોવા મળે છે. જેમકે ‘આયખામાં ખાંખાંખોળા કરતો કવિ આગળ આગળ લાવીને ધરે છે કલ્પનો’, ‘સહન કરવું એને અંગે તેઓ કદી ખોટા ન હતા,પ્રાચીન કલાકારો: કેવું બરોબર એ સમજતા હતા.’ કે પછી ‘શત શત શહેરોમાં એ હવે વિખેરાઇ ગયા છે અને આખો વખત રહ્યું એમને અપરિચિત હેત માણવાનું’  જેવી ગદ્ય પંક્તિઓ કાવ્યનો લય જમાવી રાખવામાં ઉપકારક નીવડે છે.
કવિ ઓડેન થોડા રંગીલા સ્વભાવના અને ધુની મગજના કવિ હતા.પણ તેમની કવિતા મનુષ્યના વાસ્તવિક અને અવ્યવસ્થીત જીવનને સુખની ઉર્ધ્વતા તરફ લઇ જનારી હતી. ઓડેનના આવા ઉચ્ચતમ અને અર્થઘન ભાવોને ધારણ કરી તેને પોતીકી ભાષામાં લઇ આવવાનું કાર્ય કરતી વેળાએ ઉમાશંકર ભાવવિશેષોને ખપમાં લે છે. જેમકે-  ‘ભુંડીભખ સુકી ચીજ’, ‘ભયાવહ શહાદત’ ‘કૂતરિયું જીવન’, ‘લીલાંછમ પાણી’, ‘ધુંધળો ઠંડો દિવસ’, ‘કોઠે પડી ગયેલી યાતનાઓ’ જેવી ભાવસભર શબ્દાવલીઓ ગદ્યને આસ્વાદ્ય બનાવે છે.
ઉમાશંકર આટ આટલી અને તેથી પણ વધુ કાળજીથી અનુવાદકાર્ય કરે છે તેની પડછે તેમની સર્જક્તચેતનાનો ધક્કો છે. અહી નગીનદાસ પારેખ યાદ આવે તેમણે સર્જકશક્તિને આવકારી છે પણ ચેતવણી સાથે કે ‘અનુવાદકે ભાષાવિષયક શક્તિ તો સર્જક જેટલી જ કેળવવી પડે છે. એ વગર તે મૂળને પૂરતો ન્યાય ન કરી શકે. તે ઉપરાંત,તેનામાં અમુક સર્જકશક્તિ હોય તો જ પોતાના કામમાં સફળ થવાની આશા રાખી શકે. પણ એ સર્જકશક્તિ પણ તેને મૂળ લેખકની સેવામાં જ સમર્પણ કરવાની છે. એટલેકે એ શક્તિ તેણે મૂળ લેખકના વક્તવ્યને બને એટલી વફાદારીથી રજૂ કરવામાં ખર્ચવાની છે. એ શક્તિ વડે તેણે મૂળને શોભાવવાનો કે તેને ટપી જવાનો પ્રયત્ન કરવાનો નથી.’ એટલે જ ઉમાશંકર મૂળે કવિજીવ હોવાને નાતે ઓડેનને તેઓ સમગ્ર નહી તો પણ મહદંશે ગુજરાતીમાં ઉતારી શક્યા છે. ઉમાશંકર એમાં ક્યારેક અટવાયા છે.પણ સરવાળે તો મૂળના અર્થ, લય અને ભાવનું સહિત્વ અનુદિતકૃતિમાં  જાળવવા માટે મથામણ કરવી જ રહી. જે ઉમાશંકરે કરી છે.                           
ઉમાશંકરના અનુવાદકાર્યમાંથી પસાર થતા અનુભવાય છે કે તેમની સમગ્ર અનુવાદપ્રવૃતિ દરમિયાન તેમની નિષ્ઠા અકબંધ રહી છે. તેમની સર્જકચેતનાએ પૂરી નીસ્બતથી ખેડેલા સાહિત્યના દરેક ક્ષેત્રની જેમ અનુવાદકાર્ય પણ સત્વશીલ અને નિષ્ઠાવાન છે.તેમની સજગતા અને સર્જકતા સભાનપણે તાલમિલાવી શકી છે જે કોઇપણ વફાદાર અને ઉતમ અનુવાદક પાસેથી અપેક્ષીત પણ હોય. તેમણે કરેલા સુખ્યાત કૃતિઓના અનુવાદો ગુજરાતી ભાષાનું ચિરંજીવ સાહિત્ય બની રહેશે જે નિર્વિવાદ છે.

               (મે, ૨૦૧૨ પરબ)



Comments